સાગબારા તાલુકાના ચોપડવાવ ખાતે રૂપિયા ૨૮.૫૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના અધ્યતન શાળા સંકુલનું મંત્રી નરેશ પટેલના હસ્તે લોકાર્પણ

SHARE:

આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા સંચાલિત નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS)ના ચોપડવાવ ગામે રૂપિયા ૨૮.૫૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલા અધ્યતન શૈક્ષણિક સંકુલનું ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર તથા ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.   મંત્રી નરેશભાઈ પટેલે શાળા સંકુલના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ જેવી સંસ્થાઓ આદિજાતિ વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે ઉચ્ચ અભ્યાસ અને સમાન તક પૂરી પાડીને તેમના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સરકાર શિક્ષણ સાથે આવાસ, ભોજન, ટેકનોલોજી અને કૌશલ્ય વિકાસ પર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને સુરક્ષિત ભવિષ્ય નિર્માણ થાય તે માટે સકારાત્મક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મંત્રીએ કહ્યું કે, આદિજાતિ વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત ચિંતિત છે, જેના પરિણામે આપણા બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે શાળાના અધ્યતન મકાનો અને શૈક્ષણિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલમાં પ્રવેશ માટે પરીક્ષાના માધ્યમથી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. આ નવનિર્મિત શાળા સંકુલ આદિજાતિ વિસ્તારમાં બાળકોના ગુણાત્મક અને ક્વોલિટી વાળા શિક્ષણનું કેન્દ્ર બની રહેશે.

વાલીઓને ટકોર કરતા મંત્રીએ જણાવ્યું કે, વ્યક્તિ વિકાસ થકી સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાનું અંગ છે. અને તેથી જ સરકારે શિક્ષણની જે સુવિધા કરી છે તે વ્યથા નહીં પણ વ્યવસ્થા છે. સરકાર બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા પ્રયત્નશીલ છે, ત્યારે વાલી તરીકે આપણા બાળકો પાછળ ધ્યાન આપવું પડશે, બાળકોને શિસ્ત, મહેનત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરણા જેથી આપણા દીકરા-દીકરીએ ઉચ્ચ અભ્યાસ કરી રોજગારી મેળવીને આત્મનિર્ભર બની શકશે અને સમાજ, રાજ્ય તથા દેશનું નામ રોશન કરશે.

સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, આદિજાતિ વિસ્તારના બાળકોના શિક્ષણ માટે સરકાર સતત ચિંતા કરે છે. માત્ર રોડ-રસ્તા અને બિલ્ડીંગ કે અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દેવાથી વિકાસ નથી થતો પરંતુ શિક્ષણથી જ સાચો વિકાસ થાય છે. બાળકોને પ્રાથમિક શાળામાંથી જ પાયાનું શિક્ષણ મજબૂત મળે તે માટે નવી શિક્ષણ નીતિમાં પણ અનેક જોગવાઈઓ કરવામાં આવી છે પરંતુ વાલીઓ પણ જાગૃત થાય અને વ્યસન, કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી બહાર આવી શિક્ષણ પર ભાર મૂકશે તોજ આપણે આત્મનિર્ભર ભારત, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરી શકીશું. તેથી આપણે સૌ સાથે મળી દેશના વિકાસમાં યોગદાન આપીએ તેવી અપીલ કરી હતી.

 

શાળા સંકુલની વિશેષતા

 

રૂપિયા ૨૮.૫૬ કરોડના ખર્ચે નિર્મિત આ સંકુલમાં શાળા બિલ્ડીંગ, ૧૬ વર્ગખંડ, લાઇબ્રેરી હોલ, કોમ્પ્યુટર રૂમ, વિજ્ઞાન લેબોરેટરી (કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી), હોસ્ટેલ સુવિધા (બોયઝ + ગર્લ્સ) : ૨૪૦ + ૨૪૦ = કુલ ૪૮૦ વિદ્યાર્થીઓ માટે ભોજનાલય, સ્ટાફ ક્વાર્ટર્સ : ૧૬ યુનિટ, વર્ગ-૪ કર્મચારીઓ માટે ક્વાર્ટર્સ : ૬ યુનિટનો સમાવેશ થાય છે.

 

લોકાર્પણ કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા શાળા સંકુલની વિવિધ સુવિધાઓનું અવલોકન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો.

 

આ પ્રસંગે કલેક્ટર એસ.કે.મોદી, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સભ્ય પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મનજીભાઈ વસાવા, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવા, ઈ.ચા.પ્રાયોજના વહિવટદાર કલ્પેશકુમાર શર્મા, દેડિયાપાડાના પ્રાંત અધિકારી જુઇ પાંડે, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સાગબારા, ઇ.એમ.આર.એસ. સાગબારાના આચાર્ય સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, હોદ્દેદારો, સ્થાનિક નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Khabar Bridge
Author: Khabar Bridge

Leave a Comment

best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!